bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

પાકિસ્તાનમાં આતંકીઓની નાપાક હરકત, ગર્લ્સ સ્કૂલની આખી ઈમારત બોમ્બ વિસ્ફોટ દ્વારા ઉડાડી...

પાકિસ્તાનના વાયવ્ય સરહદ પ્રાંત (ખૈબર-પખ્તુનવા પ્રાંત)માં આવેલા કબાઇવી વિસ્તારમાં ન ઓળખાયેલા ત્રાસવાદીઓએ એક સરકારી ગર્લ્સ સ્કૂલને સોમવારે રાત્રે પ્રબળ વિસ્ફોટકો દ્વારા ઉડાડી મુકી હતી.
પાકિસ્તાનમાં ૨૧મી સદીમાં પણ એવા કટ્ટરપંથી ત્રાસવાદીઓ રહે છે જેઓ માને છે કે, છોકરીઓને ભણાવવી જ ન જોઈએ. છોકરીઓ મોટી થઈ વધુ આગળ ભણે તો તેઓ માથાભારે થઈ જાય પરિણામે પોતાના માતા-પિતા કે વડીલોના કાબુમાં ન રહે તો બીજી તરફ લગ્ન પછી પતિ કે સાસરિયાના દાબમાં ન રહે, આથી સમાજમાં અશાંતિ ઉભી થઈ જાય.

આ અર્થહીન માન્યતા સામે વિચારકો કહે છે કે, જે દેશ એક તરફ બોંબ અને મિસાઇલ્સ બનાવે છે. તો બીજી તરફ સમાજની અર્ધો-અર્ધ વસ્તી અભણ, અજ્ઞાાન અને અબુધ રાખવા આ કટ્ટરપંથીઓની નેમ છે કે જેથી મલાલા યુસુફઝાઈ જેવી કોઈ માથા ફરેલ યુવતી ઊંચી ન થાય. તે માટે છોકરીઓ જે ભણવા માગે છે, તે છોકરીઓની શાળાઓ જ ઉડાડી દેવામાં આવે છે. આથી ભયભીત થઈને છોકરીઓ શાળાએ જવાનું જ માંડી વાળે છે.

જો કે, આ કટ્ટરવાદી આતંકીઓ તેટલા 'દયાળુ' તો છે જ કે તેઓએ આ વિસ્ફોટકો રાતના સમયે મુકયા હતા. તેના વિસ્ફોટો થતા આ નાનકડી એવી શાળાનું મકાન ભાંગીને ભુક્કો થઈ ગયું હતું. આ દુષ્કૃત્ય કરનાર આતંકીઓ પકડાયા નથી. કદાચ પકડાશે પણ નહીં. પાકિસ્તાનમાં તો વર્ષોથી છોકરીઓની શાળાઓ ઉડાડી મુકવાના કિસ્સાઓ બનતા જ રહ્યા છે. વાસ્તવમાં ખબર પખ્તુનવા ઉપર તો કબાઈલી ખાનો નું રાજ ચાલે છે. ત્યાં પાકિસ્તાની સરકાર પહોંચી શકતી જ નથી. બલુચિસ્તાનમાં પણ આવી જ સ્થિતિ છે.