bs9tvlive@gmail.com

23-December-2024 , Monday

રેસલર અમન સેહરાવત રેસલિંગની સેમિ ફાઇનલમાં પહોંચ્યો, ભારતને વધુ એક મેડલની આશા....  

પેરિસ ઓલિમ્પિકમાં ભારતને વધુ એક મેડલની આશા જાગી છે. ભારતના રેસલર અમન સેહરાવતે ક્વાર્ટર ફાઇનલમાં આલ્બેનિયન રેસલર ઝેલીમખાન અબાકારોવને (Zelimkhan Abakarov) હરાવીને સેમિ ફાઇનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. હવે તે મેડલ જીતવાથી માત્ર એક જ ડગલું દૂર છે.

અમને આ ટક્કરમાં પ્રભુત્વસભર જીત મેળવી હતી. તેણે હરિફને 12-0થી હરાવ્યો હતો. ટેકનિકલ રીતે મજબૂત હોવાના કારણે તેણે આ વિજય મેળવ્યો હતો. હવે અમન સેમિ ફાઇનલમાં જાપાનના રિ હિગુચી સામે ટકરાશે. આ મુકાબલો રાત્રે 9:45 એ યોજાશે. હિગુચી 2016માં રિયો ઓલિમ્પિકમાં સિલ્વર જીતી ચૂક્યો છે. 

ભારતને પેરિસ ઓલિમ્પિકમાં હજુ સુધી 3 મેડલ મળ્યા છે જે ત્રણેય શૂટિંગમાં મળ્યા છે. ભારતને આજે હોકીમાં બ્રોન્ઝ મેડલની આશા છે. અમને પણ એક મેડલની આશા જગાડી છે. જો આજે તે સેમિ ફાઇનલમાં જીતે તો ગોલ્ડ અથવા સિલ્વર મેડલ માટે હકદાર બની શકે છે. અગાઉ ભારતને 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં મનુ ભાકરે અને શૂટિંગની મિક્સ્ડ ઇવેન્ટમાં મનુ સાથે સરબજોત સિંહે મેડલ અપાવ્યો હતો. આ સિવાય 3 પોઝિશન શૂટિંગમાં સ્વપ્નિલ કુસાલે પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.