ટીમ ઈન્ડિયાના ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ બીસીસીઆઈએ 125 કરોડ રૂપિયાની તાબડતોડ પ્રાઈઝ મનીનું એલાન કર્યું હતું. બીસીસીઆઈએ તે સમયે એ સ્પષ્ટ કરી દીધું હતું કે આ પ્રાઈઝ મની ખેલાડીઓની સાથે સપોર્ટ સ્ટાફ અને સિલેક્ટર્સ વચ્ચે વહેંચવામાં આવશે. જોકે ચાહકો એ અંદાજ લગાવી શકતાં નથી કે આ પ્રાઈઝ મનીની વહેંચણી કેવી રીતે થશે. તો હવે આ મુદ્દે પણ જાણકારી સામે આવી રહી છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ટી20 વર્લ્ડ કપ સ્કવોડમાં સામેલ 15 ખેલાડીઓ સહિત કોચ રાહુલ દ્રવિડને સૌથી વધુ 5-5 કરોડ રૂપિયા મળશે. રિઝર્વ ખેલાડીઓમાં સામેલ રિંકુ સિંહ, ખલીલ અહેમદ, આવેશ ખાન અને શુભમન ગિલ પર પણ રૂપિયાનો વરસાદ થશે.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ખેલાડીઓ સિવાય અઢી-અઢી કરોડ ટીમના કોર કોચિંગ સ્ટાફમાં વહેંચવામાં આવશે, જેમાં બેટિંગ કોચ વિક્રમ રાઠોડની સાથે ફીલ્ડિંગ કોચ ટી દિલીપ અને બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રે સામેલ છે. 1-1 કરોડ રૂપિયાનું ઈનામ અજીત અગરકરની અધ્યક્ષતાવાળી સિલેક્શન કમિટીમાં સામેલ 5 સિલેક્ટર્સને મળશે જેમણે આ સ્કવોડની પસંદગી કરી હતી.
અન્ય બેકરુમ સ્ટાફને પણ આ પ્રાઈઝ મનીમાં સામેલ કરવામાં આવ્યો છે. ત્રણ ફિઝિયોથેરાપિસ્ટ, ત્રણ થ્રોડાઉન નિષ્ણાત, બે માલિશ કરનાર અને સ્ટ્રેન્થ અને કંડીશનિંગ કોચને 2-2 કરોડ રૂપિયા મળશે.
ટી20 વર્લ્ડ કપ રમવા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સહિત કુલ 42 લોકો ગયા હતા. ટીમના વીડિયો વિશ્લેષક, ટીમની સાથે મુસાફરી કરનાર બીસીસીઆઈ સ્ટાફ સભ્ય, જેમાં મીડિયા અધિકારી પણ સામેલ છે અને ટીમના લોજિસ્ટિક્સ મેનેજરને પણ આ ઈનામ આપવામાં આવશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology