bs9tvlive@gmail.com

23-December-2024 , Monday

કોચ ગંભીર અને કેપ્ટન સૂર્યા સાથે શ્રીલંકા પહોંચી ટીમ ઇન્ડિયા...

ભારત અને શ્રીલંકા વચ્ચે T20 અને ODI સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિરીઝ શ્રીલંકામાં રમાવાની છે. આ માટે ભારતીય ટીમ શ્રીલંકા પહોંચી ગઈ છે. પહેલા બંને ટીમો વચ્ચે T20 સિરીઝ રમાશે. જે બાદ વનડે સિરીઝ રમાશે. હાલમાં ટી20 સિરીઝ માટે પસંદ કરાયેલા ભારતીય ખેલાડીઓ શ્રીલંકા પહોંચી ગયા છે. ભારતીય ટીમ સાથે હેડ કોચ ગૌતમ ગંભીર પણ શ્રીલંકા પહોંચી ગયા છે. હેડ કોચ તરીકે આ ગંભીરનો પહેલો પ્રવાસ છે. ODI ટીમ હજુ સુધી ત્યાં પહોંચી નથી. T20 સિરીઝમાં સુર્યકુમાર યાદવ કેપ્ટન તરીકે જોવા મળશે જયારે વનડેમાં રોહિત શર્મા કેપ્ટન હશે.

જણાવી દઈએ કે બંને ટીમો વચ્ચે કુલ ત્રણ T20 મેચ રમાશે. વનડે સિરીઝમાં પણ એટલી જ મેચો રમાવાની છે. ભારતે તાજેતરમાં જ T20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. વર્લ્ડકપ બાદ ટીમ ઇન્ડિયાની આ બીજી સિરીઝ હશે. T20 સિરીઝ 27 જુલાઈથી રમાશે. જયારે છેલ્લી મેચ 30 જુલાઈએ રમાશે. T20ની તમામ મેચ પલ્લેકેલેના પલ્લેકેલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમવામાં આવશે.

  • T20 ટીમમાં ઘણા મોટા ફેરફાર

BCCI દ્વારા શ્રીલંકા સામે રમવા માટે પસંદ કરાયેલી T20 ટીમમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. વાસ્તવમાં, T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલમાં જીત બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. રોહિત શર્માની નિવૃત્તિ બાદ BCCI સામે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે આ ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાનો નવો કેપ્ટન કોણ હશે. માનવામાં આવી રહ્યું હતું કે વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન રહેલા હાર્દિકને ટીમ ઇન્ડિયાની કપ્તાની સોંપવામાં આવશે, પરંતુ બીસીસીઆઈએ એક આશ્ચર્યજનક નિર્ણય લીધો અને આ ફોર્મેટમાં સૂર્યકુમાર યાદવને ભારતનો નવો કેપ્ટન બનાવ્યો.