જ્યારથી ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બન્યા છે ત્યારથી ગંભીર અને વિરાટ કોહલી વચ્ચેના સંબંધોમાં સતત ઉતારચઢાવ ભર્યા રહ્યા છે. બંને દિગ્જ્જો ભૂતકાળમાં ક્રિકેટ મેદાનમાં એકબીજા સાથે સામસામે આવી ગયા હતા. ગંભીર કોમેન્ટેટર તરીકે હમેશાં કોહલીની ખામીઓ ગણાવતો હોય છે. જયારે ગંભીરને પૂછવામાં આવ્યું કે, કોહલી સાથેના તેના સંબંધથી ભારતીય ટીમને કોઈ ફરક પડશે? આ સવાલનો ગંભીરે જવાબ આપતા કહ્યું હતું કે, વિરાટ કોહલી સાથે મારો જે સંબંધ છે, તે ટીઆરપી માટે નથી.
ભારતીય ટીમના કોચ બન્યા બાદ ગૌતમ ગંભીરે સોમવારે પહેલીવાર પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેની સાથે ટીમના મુખ્ય સિલેક્ટર અજીત અગરકર પણ હાજર હતા. અડધી કલાક સુધી ચાલેલી પ્રેસ કોન્ફરન્સમાં 20થી વધુ સવાલ પૂછવામાં આવ્યા હતા. બધા પ્રશ્નો મુખ્યત્વે 5-6 ખેલાડીઓની આસપાસ ફરતા રહ્યા હતા. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે.
ગૌતમ ગંભીરને જયારે તેમના વિરાટ કોહલી સાથેના સંબંધો વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેને જવાબ આપતા કહ્યું હતુ કે, વિરાટ કોહલી સાથે કેવા સંબંધો છે, એ ટીઆરપી માટે નથી. આ સમયે અમે બંને ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ. અમે 140 કરોડ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ. મેદાનની બહાર અમારા સંબંધો ખુબ સરસ છે, પરંતુ જનતાને બધું જણાવવું જરૂરી નથી.
આઈપીએલ દરમિયાન ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે ઘણા વિવાદો જોવા મળ્યા હતા. જો કે હવે આ જોડી શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં સાથે જોવા મળશે. કોહલી સાથેના સંબંધો અંગે ગંભીરે વધુમાં કહ્યું હતું કે, દરેકને પોતાની જર્સી માટે લડવાનો અધિકાર છે. એ મહત્વનું નથી કે અમે મેચ દરમિયાન કે પછી અમે કેટલી વાત કરી. તે (કોહલી) એક વર્લ્ડ ક્લાસ એથ્લેટ અને પ્રોફેશનલ ખેલાડી છે. આશા છે કે તે આ રીતે તેની રમત રમવાનું ચાલુ રાખશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology