ભારતીય ક્રિકેટ ટીમના શ્રીલંકા પ્રવાસને લઈને આજે ટીમ ઇન્ડિયાની જાહેરાત થવાની છે. શ્રીલંકામાં ભારતીય ક્રિકેટ ટીમને ત્રણ ટી20 ઇન્ટરનેશનલ અને ત્રણ વનડે મેચની સિરીઝ રમાવાની છે. ટી20 મેચની 27 જુલાઈથી ચાલુ થઈ રહી છે. જયારે વનડે સિરીઝ ઓગસ્ટમાં રમાશે. ટી20 ઇન્ટરનેશનલથી તો રોહિત શર્માએ પહેલા જ રિટાયરમેન્ટની જાહેરાત કરી દીધી છે. પરંતુ ટેસ્ટ અને વનડે તે હજુપણ રમતા રહેશે. આ પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે રોહિત શર્મા શ્રીલંકા વિરુદ્ધ વનડે સિરીઝ મિસ કરી શકે છે, પરંતુ હવે અહેવાલો છે કે એની વાપસી થઈ શકે છે.
રોહિત શર્મા વનડે સિરીઝમાં રમતા જોવા મળી શકે છે. આ સિરીઝમાં પોતાની કેપ્ટનશીપમાં KKRને IPL ખિતાબ જીતાડનાર શ્રેયસ અય્યર પણ ટીમમાં વાપસી કરી શકે છે. ગંભીરનું શ્રેયસ અય્યર સાથે KKR કનેક્શન પણ છે. જ્યારે વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ શ્રીલંકા સામે રમે તેવી શક્યતા નથી. બીજી તરફ જો રોહિત શર્મા આ સિરીઝમાં નહીં રમે તો કેએલ રાહુલ કેપ્ટનશિપ માટે સંભવિત ઉમેદવાર બની શકે છે.
કેટલાક અહેવાલોમાં શ્રીલંકાના પ્રવાસ માટે ODIને લઈને આ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગૌતમ ગંભીરે નેશનલ સિલેકશન કમિટી સાથે બેઠક કરી. આ બેઠકને પ્રોડક્ટિવ મીટીંગ કહેવામાં આવી છે. આ બેઠક એક કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. મંગળવારે બપોરે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આયોજિત આ બેઠકમાં મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને સિલેકશન કમિટીના સભ્યો, ખુદ ગૌતમ ગંભીર અને BCCI સચિવ જય શાહ હાજર હતા. જય શાહે જ આ બેઠક બોલાવી હતી. આ મીટિંગ ઓનલાઈન યોજાઈ હતી, જેમાં ગંભીરે નવી દિલ્હી સ્થિત તેના ઘરેથી ભાગ લીધો હતો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ બેઠક પરિચય માટે હતી. પરંતુ સિલેકશન કમિટીના સભ્યો અને નવા કોચે ભારતીય ક્રિકેટના ભાવિ અને શ્રીલંકામાં આગામી વ્હાઇટ બોલ સિરીઝ માટે ટીમની રચના વિશે વાત કરી. કોચ તરીકે, ગંભીરે સિલેકશન કમિટીને તેના ઇનપુટ્સ આપ્યા હતા કે તેઓ કેવા પ્રકારના ખેલાડીઓ ઇચ્છે છે.
ગંભીરે તાજેતરમાં કહ્યું હતું કે તેને એવા ખેલાડીઓ જોઈએ છે જે ત્રણેય ફોર્મેટ માટે ઉપલબ્ધ હોય, પરંતુ તેણે મીટિંગ દરમિયાન આના પર ભાર મૂક્યો ન હતો. આ મીટિંગથી કેટલાક સંકેતો મળી રહ્યા છે કે રોહિત શર્મા ઓગસ્ટમાં યોજાનારી ત્રણ વનડે મેચ માટે પોતાને ઉપલબ્ધ કરાવી શકે છે. આગામી ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા વધુ વનડે મેચો નહીં હોવાને ધ્યાનમાં રાખીને રોહિત આ મેચોમાં રમવાનું નક્કી કરી શકે છે. હાલમાં રોહિત અમેરિકામાં રજાઓ ગાળી રહ્યો છે.
જો રોહિત રમવાનું નક્કી કરશે તો તે બેશક ટીમનું સુકાન સંભાળશે. જોકે, શ્રીલંકા સિરીઝ માટે આરામ આપવામાં આવેલ જસપ્રિત બુમરાહ અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓના રમવાની શક્યતા ઓછી છે. શ્રેયસ અય્યર, જે ગયા વર્ષના વર્લ્ડ કપમાં મિડલ ઓર્ડરમાં અસરકારક હતો, તે કેએલ રાહુલ સાથે વાપસી કરે તેવી અપેક્ષા છે. જો રોહિત ODI નહીં રમે તો રાહુલ ODI કેપ્ટનશિપ માટે સંભવિત ઉમેદવાર છે. જ્યારે હાર્દિક પંડ્યા શ્રીલંકામાં યોજાનારી વનડે મેચમાંથી બહાર થઈ શકે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology