T20 વર્લ્ડ કપ જીતીને ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ છે અને હવે આવતા વર્ષે યોજાનારી 50 ઓવરની ટૂર્નામેન્ટ ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે કવાયત શરૂ થઈ ગઈ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવશે.
પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આ ટુર્નામેન્ટની યજમાની કરશે અને આ ટુર્નામેન્ટ ODI ફોર્મેટમાં યોજાશે. જ્યાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ રોહિત શર્માના ખભા પર રહેશે. છેલ્લા 8 વર્ષમાં એક પણ વખત આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું ન હતું પરંતુ હવે આવતા વર્ષે યોજવવા જઈ રહી છે. પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીનું શિડ્યુલ પણ તૈયાર કરી લીધું છે અને રિપોર્ટ્સનું માનીએ તો આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી 9 માર્ચની વચ્ચે રમાશે. આ સાથે જ ભારતીય ટીમની મેચોની તારીખો પણ જાહેર કરવામાં આવી છે.
આ ICC ટૂર્નામેન્ટમાં, ODI વર્લ્ડ કપમાં ભાગ લેનારી ટોચની 8 ટીમો વચ્ચે ટક્કર થશે અને આ વખતે ક્વોલિફાય કરનારાઓમાં પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ભારત, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડનો સમાવેશ થાય છે. સાથે એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે ભારતને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. જ્યારે ગ્રુપ બીમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમને રાખવામાં આવી છે.
અહેવાલો અનુસાર, ભારતીય ટીમ તેની ગ્રૂપ મેચો લાહોરમાં રમશે અને ત્રણેય મેચ આ સ્થળે જ યોજાશે. ટીમ ઈન્ડિયા 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પછી, તેનો સામનો 23 ફેબ્રુઆરીએ ન્યુઝીલેન્ડ સાથે થશે, જ્યારે ભારત અને પાકિસ્તાન મેચ 1 માર્ચે રમાશે, જેની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
પાકિસ્તાન જવાનું મુશ્કેલ દેખાઈ રહ્યું છે, કારણ કે આ બંને દેશ માત્ર એશિયા કપ કે કોઈપણ આઈસીસી ટૂર્નામેન્ટમાં જ એકબીજા સામે રમે છે. ભારતે લગભગ 16 વર્ષથી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. તે જ સમયે, ગયા વર્ષે એશિયા કપ પણ શ્રીલંકામાં હાઇબ્રિડ મોડલ હેઠળ રમાયો હતો. આ વખતે પણ ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન જવાની કોઈ આશા નથી પરંતુ BCCIએ નિર્ણયની જવાબદારી ભારત સરકાર પર છોડી દીધી છે અને તેમનો નિર્ણય અંતિમ રહેશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology