bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

અંબાજીના મેળામાં બાળ સહાયતા કેન્દ્ર દ્વારા વિખુટા પડેલા 42 બાળકોનું પુનઃમિલન કરાયું...

અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ બાળકોની સુરક્ષા અને સલામતી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં પગપાળા આવનાર યાત્રાળુઓ સાથે મોટી સંખ્યામાં નાના બાળકો પણ આવતા હોય છે. આ નાના બાળકો મેળા દરમિયાન તેમના પરિવારથી વિખુટા પડે અથવા ગુમ થવાના કિસ્સામાં તેમના પરિવાર સાથે બાળકોનું મિલન કરાવવા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા બાળ સુરક્ષા એકમ બનાસકાંઠા દ્વારા બાળ સહાયતા કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે. અંબાજી ખાતે દાંતા, કામાક્ષી મંદિર અને ખોડીવલી સર્કલ એમ ત્રણ જગ્યાએ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.આજ દિન સુધી આ બાળ સહાયતા કેન્દ્રો પરથી 5000 જેટલા બાળકોને તેમના નામ, સરનામાં, ઇમર્જન્સી મોબાઈલ નંબર લખીને આઈકાર્ડ પહેરાવવામા આવ્યા છે. જેની મદદથી બાળકો ગુમ થયાના કિસ્સામાં વાલી વારસાની ઝડપથી શોધ કરી શકાય છે. જિલ્લા બાળ સહાયતા કેન્દ્ર દ્વારા મેળા દરમ્યાન આજ દિન સુધી 42 જેટલાં બાળકોને તેમના વાલી વારસાથી મિલન કરાવી શકાયું છે.  જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આશિષ જોશીએ જણાવ્યુ હતુ કે જ્યાં સુધી આ બાળકોના વાલી વારસો મળી ના આવે ત્યાં સુધી આ બાળકોને બાળ સુરક્ષા કેન્દ્ર પર જિલ્લા બાળ સુરક્ષા એકમનો સ્ટાફ અને સંકલિત બાળ વિકાસ વિભાગની આંગણવાડી બહેનો પોતાના બાળકની જેમ બાળકોની કાળજી રાખે છે. નાના બાળકોને ઘોડિયામા સુવાડવા, રમકડાંથી રમાડવા, નાસ્તો કરાવવો, બાળકોને કાઉન્સિલીગ સેવા પુરી પાડી માતા/પિતાથી વિખુટા પડ્યાના ટ્રોમાંથી દૂર રાખવા, બાળકો સાથે રમતો રમવી જેવી પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે.અંબાજી મુખ્ય કંટ્રોલ પોઇન્ટ ખાતે આવેલ બાળ સહાયતા કેન્દ્રમા બનાવેલ ચાઈલ્ડ ફ્રેન્કલી ગેલેરી/ ફીડિંગ- ધોડિયા ઘરનો મેળામાં અંદાજિત ૩૦૦ જેટલા બાળકોએ લાભ લીધો છે. બાળ સહાયતા કેન્દ્રની આવી સેવાઓથી યાત્રાળુઓ બહુ જ પ્રભાવિત થઈ અંતઃકરણથી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા બાળ સુરક્ષા એકમ બનાસકાંઠાના તમામ અધિકારીશ્રી અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.