bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

વિશ્વ આદિવાસી દિવસ પહેલાં 'સ્ટેચ્યૂ ઓફ યૂનિટી' પાસે 2 આદિવાસીઓની હત્યા, 6 લોકોની ધરપકડ...  

નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પાસે તૈયાર થઇ રહેલા 'આદિવાસી મ્યૂઝિયમ' પાસે ચોરીની આશંકામાં બે આદિવાસીઓની માર મારીને હત્યા કરી દેવામાં આવી છે. નમર્દા જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેએ જણાવ્યું હતું કે આ ઘટન 6 ઓગસ્ટની રાતની છે. મૃતકોની ઓળખ જયેશ તડવી અને સંજય તડવી તરીકે કરવામાં આવી છે. 

આ અંગેની વિગત એવી છે કે ગરુડેશ્વર તાલુકાના કેવડિયા ગામે નીચલા ફળિયામાં રહેતો જયેશ શનાભાઇ તડવી અને ગભાણા ગામે નીચલા ફળિયામાં રહેતો સંજય ગજેન્દ્રભાઇ તડવી બંને આદિવાસી મ્યુઝિયમમાં ગયા હતાં. આ વખતે બંને ચોરી કરવા માટે આવ્યા છે તેવી શંકા રાખી મ્યુઝિયમમાં કામ કરતાં કર્મચારીઓએ બંનેને પકડી લઇ હાથ બાંધી દીધા હતા અને બાદમાં એક રૂમમાં લઇ જઇ બંનેને પ્લાસ્ટિકની પાઇપ, લાકડી તેમજ ગરદાપાટુ માર માર્યો હતો.

આ ઘટના બાદ બંનેને સારવાર માટે ગરૂડેશ્વરની હોસ્પિટલમાં લઇ જવામાં જ્યાં સારવાર દરમિયાન જયેશ તડવી અને સંજય તડવીનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ગરૂડેશ્વર પોલીસ તેમજ નાંદોદ અને ડેડિયાપાડાના ધારાસભ્યો પણ હોસ્પિટલ દોડી ગયા  હતાં. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું  હતું કે આ ઘટનામાં અમે હુમલો, એટ્રોસિટિ તેમજ અન્ય ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધી મ્યુઝિયમમાં કામ કરતાં માર્ગિશ ધીરપડા, દેવલ પટેલ, દીપકકુમાર યાદવ, વનરાજ તાવિયાડ, શૈલેષ તાવિયાડ અને ઉમેશ ગુપ્તાની ધરપકડ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે જે લોકો ઝડપાયા છે તેમાંથી બે શખ્સો પંચમહાલ જિલ્લાના જ્યારે અન્ય આરોપીઓ અન્ય રાજ્યના છે.

આ પણ વાંચો : એક બાજુ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી, બીજી બાજુ કફોડી દશા, 361 શાળામાં માત્ર 1 જ શિક્ષકઆ અંગે ઇજાગ્રસ્ત સંજય તડવીની ફરિયાદ ગરૂડેશ્વર પોલીસે નોંધી હતી જેમાં જણાવ્યું હતું કે હું અને મારો મૃત મિત્ર જયેશ બંને મ્યુઝિયમની ખુલ્લી જગ્યામાં લોખંડના સળિયા પડયા  હતાં તેના ટુકડા ભંગારમાં વેચીને પૈસા મળશે તેવી લાલચમાં ચોરી કરવાનું વિચારીને ત્યાં ગયા હતા. ત્યારે હુમલાખોરોએ અમને ઝડપી પાડી જાતિવિષયક શબ્દો ઉચ્ચારી હુમલો કર્યો હતો.
આ હુમલામાં કથિત રીતે સામેલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભરૂચ સીટ પરથી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે કંપની પહેલાં જ પરિવારજનોને 20-20 લાખ રૂપિયા આપી ચૂકી છે.