bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

અનંત-રાધિકાના વેડિંગ પહેલા અંબાણી પરિવારે કરાવ્યા 50 દીકરા-દીકરીઓના લગ્ન, જુઓ ભેટમાં શું-શું આપ્યું...

દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના લગ્ન તાજેતરમાં દિવસોમાં ચર્ચાનો વિષય બની ગયા છે. છેલ્લા 1 વર્ષથી લગ્નની ચર્ચા ચારેકોર થઈ રહી છે. અનંત અંબાણી 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે, પરંતુ તે પહેલા અંબાણી પરિવારે મુંબઈમાં સમૂહ લગ્નનું આયોજન કર્યું, અંબાણી પરિવારે 50 થી વધુ ગરીબ યુગલોના લગ્ન કરાવ્યા.

  • અનંત-રાધિકાના લગ્નની તૈયારીઓ

અંબાણી પરિવાર આમંત્રણ કાર્ડ વહેંચવામાં વ્યસ્ત છે. હવે પૂજાપાઠ બાદ લગ્નના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. આ શ્રેણીમાં 2 જુલાઈએ મુંબઈમાં અંબાણી પરિવાર દ્વારા સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50 યુગલો લગ્નના બંધનમાં બંધાયા હતા. આ લગ્ન માટે અંબાણી પરિવારે ગરીબ યુગલો માટે કપડાથી લઈને ઘરેણાં સુધીની વ્યવસ્થા કરી હતી. ખાસ વાત એ છે કે આ કાર્યક્રમમાં અંબાણી પરિવારે પણ ભાગ લીધો હતો. મુકેશ અંબાણી-નીતા અંબાણીથી લઈને તેમના જમાઈ-પુત્રવધૂ આકાશ અંબાણી-શ્લોકા મહેતા, પુત્રી જમાઇ ઈશા અંબાણી-આનંદ પીરામલ પણ હાજર રહ્યા હતા.

  • અંબાણી પરિવારે આ લોકોને લગ્નમાં શું આપ્યું?

અંબાણી પરિવાર તરફથી દરેક યુગલને મંગળસૂત્ર, લગ્નની વીંટી અને નાકની ચુની, સહિત અનેક સોના અને ચાંદીના ઘરેણાં આપવામાં આવ્યા. આ ઉપરાંત દરેક દુલ્હનને 1 લાખ 1 હજાર રૂપિયાનો ચેક પણ 'સ્ત્રીધન' તરીકે આપવામાં આવ્યો. દરેક યુગલને એક વર્ષ માટે પૂરતી કરિયાણા અને ઘરવખરીની વસ્તુઓ પણ ભેટમાં આપવામાં આવી, જેમાં 36 પ્રકારની આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે વાસણો, ગેસ સ્ટવ, મિક્સર, ગાદલા, તકિયા વગેરે વસ્તુઓ સામેલ હતી.

  • ભવ્ય ભોજન સમારંભનું આયોજન

સમૂહ લગ્નમાં ઉપસ્થિત લોકો માટે ભવ્ય ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે અગાઉ માર્ચ મહિનામાં અંબાણી પરિવારે જામનગરમાં પણ અન્ન સેવાનું આયોજન કર્યું હતું જેમાં 51000 લોકોને ભોજન કરાવવામાં આવ્યું હતું.