bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

દબંગ એકટર છોડશે “ગેલેક્સી”નો મોહ ???

છેલ્લા 45 વર્ષથી સલમાન ખાન અને તેનો પરિવાર મુંબઈના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે. તાજેતરમાં રવિવાર, 14 એપ્રિલ, 2024 ના રોજ, સવારે 4:55 વાગ્યે, ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ પહેલા વર્ષ 2023માં પણ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તો ચાલો જાણીએ કે સલમાન ખાનના ઘર પર હુમલો કરવો આટલો સરળ કેમ છે.

મુંબઈના બાંદ્રામાં બે ‘વર્લ્ડ ફેમસ’ ગેલેક્સી છે. એક છે સલમાન ખાનનું ગેલેક્સી એપાર્ટમેન્ટ અને બીજું બાંદ્રાનું 50 વર્ષ જૂનું ગેલેક્સી થિયેટર. સલમાન ખાન બાળપણમાં પરિવાર સાથે મુંબઈના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટમાં શિફ્ટ થયો હતો.

એક સમયે તેમનો આખો પરિવાર આ બિલ્ડિંગના 1BHKમાં રહેતો હતો. આજે ‘ગેલેક્સી’ના પહેલા બે માળ તેના પિતા સલીમ ખાનના નામે છે. ખાન પરિવાર માટે આ બિલ્ડિંગમાં અલગ પ્રવેશદ્વાર પણ બનાવવામાં આવ્યો છે.

સલમાનની બોડીગાર્ડ ટીમ તેની સાથે રહે છે અને પ્રાઈવેટ બોડિગાર્ડ અને પોલીસ વાનની કડક સુરક્ષા હોવા છતાં આ બિલ્ડિંગ પર માત્ર ગોળીબાર કરવામાં આવ્યો ન હતો, પરંતુ એક ગોળી બાલ્કનીમાંથી પસાર થઈને સલમાનના ઘરમાં પહોંચી હતી અને આ હુમલાનું કારણ સલમાનનું ઘર જ છે. અન્ય સેલિબ્રિટીઓની સરખામણીમાં સલમાનનું ઘર એવી જગ્યાએ છે, જ્યાં તેના પર સરળતાથી હુમલો કરી શકાય છે.

ઈમારત જૂની હોવાને કારણે સલમાન ખાનની જગ્યા પર કોઈ નવી સુરક્ષા વ્યવસ્થા નથી. સલમાન ખાન સિવાય અન્ય ઘણા પરિવારો પણ અહીં રહે છે. આ સિવાય આ ઈમારત રોડની એકદમ નજીક છે. આ જ કારણ છે કે તેના મકાન પર હુમલો કર્યા બાદ હુમલાખોરો સરળતાથી ભાગી ગયા હતા.

જે બાલ્કનીમાંથી ગોળી ઘરની અંદર આવી હતી, તે જૂની સ્ટાઈલમાં બનેલી ખુલ્લી બાલ્કની છે, જ્યાંથી ગોળી, હથિયાર કે પથ્થર સરળતાથી પ્રવેશી શકે છે. તેથી તેની સુરક્ષાને ધ્યાનમાં લઈને પ્રાથમિકતા આપતા સલમાને અન્ય જગ્યાએ શિફ્ટ થવું જોઈએ.

થોડા વર્ષો પહેલા સલમાને બાંદ્રામાં ગેલેક્સી પાસે એક મોટા ટાવરનો 11મો માળ ખરીદ્યો હતો. સૂત્રોનું માનીએ તો વર્ષ 2023માં તેને મળેલી ધમકી બાદ સલમાનના પિતા સલીમ ખાને તેને આ નવા ઘરમાં શિફ્ટ થવાની સલાહ આપી હતી. પરંતુ તે તેના માતા-પિતા અને જૂના ઘરની યાદોને કારણે નવા ઘરમાં શિફ્ટ થવા માંગતો ન હતો. જો કે આ હુમલા બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે સલમાનને ‘ગેટેડ કોમ્યુનિટી’માં શિફ્ટ થવાની સલાહ પણ આપી છે. હવે જોવાનું એ રહેશે કે સલમાન આ મામલે શું નિર્ણય લે છે.