bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

IPL ટીમના માલિકોની મીટિંગમાં જુઓ શાહરૂખની કોની સાથે થઈ ગરમા ગરમી...  

આઈપીએલ 2025ના મેગા ઓક્શન પહેલાં જ ગઈકાલે 31 જુલાઈએ બીસીસીઆઈ અને આઈપીએલ ફ્રેન્ચાઈઝીના માલિકો વચ્ચે મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં કોલકતા નાઈટ રાઈડર્સના માલિક શાહરૂખ ખાન અને પંજાબ કિંગ્સના નેસ વાડિયા વચ્ચે ચડસાચડસી થઈ હતી. બંને વચ્ચે વિવાદનો મુદ્દો આઈપીએલ મેગા ઓક્શન પહેલાં ખેલાડીઓના રિટેન્શન સંખ્યાનો હતો. ફ્રેન્ચાઈઝી બેસ્ટ ટીમ તૈયાર કરવા માટે પ્રયાસ કરી રહી છે, પરંતુ દર ત્રણ વર્ષે બીસીસીઆઈ મેગા ઓક્શન કરે છે. જેના કારણે ફ્રેન્ચાઈઝીના 3-4 ખેલાડીઓ જ રિટેન અર્થાત જાળવી રાખશે. જો કે, પૂરી ટીમનું ફરીથી રિસ્ટ્રક્ચરિંગ કરવામાં મુશ્કેલીઓ નડે છે. જેથી શાહરૂખ ખાને મેગા ઓક્શનની સિસ્ટમ દૂર કરવા સમર્થન આપ્યું હતું.

 મીડિયા રિપોર્ટ અનુસાર, મીટિંગમાં સામેલ બીસીસીઆઈ સૂત્રોએ જણાવ્યું હતું કે, શાહરૂખ મેગા ઓક્શન વિરૂદ્ધ સમર્થન આપી રહ્યો હતો. ત્યારે કેકેઆરના માલિકની પંજાબ કિંગ્સના કો-ઓનર નેસ વાડિયા સાથે રિટેન્શનની સંખ્યા અંગે ઉગ્ર બોલચાલી થઈ હતી. શાહરૂખ રિટેન્શનના પક્ષમાં હતો, જ્યારે વાડિયા રિટેન્શનની વિરૂદ્ધ હતો.

  • શાહરૂપ અને વાડિયા આમને-સામને

મુંબઈમાં આયોજિત આ મીટિંગમાં શાહરૂખ ખાને મેગા ઓક્શન દૂર કરવા મુદ્દે સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે હાથ મિલાવ્યો હતો. કાવ્યા મરાન પણ શાહરૂખના આ મુદ્દાનું સમર્થન કરતી જોવા મળી હતી. જો કે, બીસીસીઆઈએ હજી સુધી આ મામલે કોઈ ચોક્કસ નિર્ણય જાહેર કર્યો નથી. બોર્ડ ઓગસ્ટના અંત સુધી પોતાનો નિર્ણય જણાવશે. કાવ્યા મરાને જણાવ્યું હતું કે, ટીમ બનાવવામાં બહુ સમય લાગે છે, યુવા ખેલાડીઓને મેચ્યોર બનાવવામાં ઘણો સમય અને રોકાણ થાય છે. અભિષેક શર્માને પોતાના પ્રદર્શનમાં સ્થિરતા લાવતાં ત્રણ વર્ષ લાગ્યા હતા. આવી ઘણી ટીમોમાં આ પ્રકારના ઉદાહણ છે.

  • દિલ્હી કેપિટલ્સના માલિક મેગા ઓક્શનના સમર્થનમાં

મીટિંગમાં સામેલ થનારા અન્ય માલિકોમાં દિલ્હી કેપિટલ્સના કિરણ કુમાર ગાંધી, પાર્થ જિંદાલ, લખનઉના સુપર જાયન્ટ્સના સંજીવ ગોયનકા, ચેન્નઈ સુપર કિંગ્સના રૂપા ગુરૂનાથ, રાજસ્થાન રોયલ્સના મનોજ બડાલે અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પ્રથમેશ મિશ્રા સામેલ હતા. અમુક માલિક વીડિયો કોન્ફરન્સ મારફત મીટિંગમાં સામેલ થયા હતા.મુંબઈ ઈન્ડિયન્સના અંબાણી પણ ઉપસ્થિત હતા. મીટિંગ બાદ દિલ્હી કેપિટલ્સના માલિક જિંદાલે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, “હું મેગા ઓક્શનના પક્ષમાં છે. મને આશ્ચર્ય થાય છે કે, પ્રથમ વખત મેગા ઓક્શન જારી રાખવા મુદ્દે આટલી ઉગ્ર ચર્ચા થઈ. પરંતુ હું તેનું સમર્થન કરૂ છું.”