ડીસા તાલુકામાંથી પસાર થતી બનાસ નદીના તટ પર 700 વર્ષ જૂનું સોનેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મંદિરનો ઇતિહાસ પીપળના પાન સાથે જોડાયેલો છે. હાલ મંદિર છે તે સ્થળ પર વર્ષો પહેલા સાધુ સંતો પૂજા અર્ચના કરવા માટે આવ્યા હતા. તે સમયથી બનાસ નદીના તટ પર સોનેશ્વર મહાદેવના મંદિરની સ્થાપના કરવામાં આવેલી છે.. સોનેશ્વર મહાદેવના ઐતિહાસિક મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરી ધન્ય થાય છે.
ડીસા તાલુકાનાં મહાદેવિયા ગામમાં બિરાજમાન મહાદેવનું નામ છે સોનેશ્વર મહાદેવ. સોનેશ્વર મહાદેવના ઇતિહાસ પર નજર કરીએ તો અહીથી મળી આવેલા અવશેષો પરથી આ મંદિર લગભગ સાતસો વર્ષ પૌરાણિક છે. સદીયો પહેલા આ સ્થળે સાધુ સંતો આપણાં ધાર્મિક ગ્રંથોનું વાંચન કરતાં હતા અને ગ્રંથોના અધ્યાય પૂરા થતાં એટ્લે સંતો ગ્રંથમાં પીપળાનું પાન મુક્તા હતા. તેવામાં એક દિવસ પાન સોનાનું થઈ જતાં મહાદેવનું નામ સોનેશ્વર મહાદેવથી વિખ્યાત થયું. બનાસ નદીના રમણીય તટ પર આવેલા સોનેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રિ અને શ્રાવણ માસ દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શિવજીને રિઝવવા માટે શિવાલયની પુજા અર્ચના કરવા માટે આવતા હોય છે.
બનાસકાંઠા જિલ્લામાથી વહેતી બનાસ નદીના રમણીય તટ પર વસેલું મહાદેવિયા ગામ. ગામનો ઇતિહાસ વર્ષો જૂનો છે. અને ગામનું નામ પ્રાચીન મહાદેવ મંદિરના કારણે મહાદેવિયા પડ્યું છે. વર્ષો પહેલા જ્યારે લોકો આ સ્થળ પર વસવાટ માટે આવ્યા ત્યારે ખંડેર હાલતમાં એક શિવાલય મળી આવ્યું હતું. અને ગામ લોકોએ મંદિરનું સમારકામ કરાવી, મહાદેવના મંદિરનું નિર્માણ કરાવ્યુ અને ત્યારથી આ ગામનું નામ મહાદેવિયા પડ્યું.
સોનેશ્વર મહાદેવની જમીન તપોભૂમિ હોવાના કારણે અહીં સમગ્ર ગુજરાત ભરમાંથી લોકો ભગવાન ભોળાનાથને રીઝવવા માટે હવન કરાવે છે. અને ભાવિકો નિયમિત ભગવાન ભોળાનાથના મંદિરે દર્શન કરવા આવે છે. મહાદેવના મંદિરેમાં ભક્તો શિવજીના દર્શન કરી મીઠું અને રીંગણ ચઢાવે છે..શ્રાવણ માસ દરમ્યાન શિવાલયમાં આવેલા શિવલિંગ પર દૂધનો અભિષેક કરવામાં આવે છે. અને ભગવાન ભોળાનાથ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. સોનેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રીના દિવસે મોટો મેળો ભરાય છે અને મેળામાં ડીસા સહિત આજુબાજુના અનેક ગામોમાંથી ભાવિક ભક્તો ભગવાન ભોળાનાથના દર્શન કરવા ઉમટી પડે છે. મહાદેવના મંદિરે સાકર અને ગોળનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. બાળકોને કોઈપણ પ્રકારની બીમારી થઈ હોય તો ભાવિકભક્તો સાકર અને ગોળની બાધા રાખે છે અને ભગવાન ભોળાનાથ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરતા ભાવિકો ભોળાનાથના દર્શન કરવા અચૂક આવે છે.
સોનેશ્વર મહાદેવના મંદિરે ભાવિકભક્તો શ્રદ્ધા આસ્થાથી આવતા હોય છે.. મહાદેવનુ આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં ખેડૂતોને ખૂબ શ્રદ્ધા રહેલી છે. વર્ષોથી સોનેશ્વર મહાદેવના મંદિરે ખેડૂતો પોતાના ખેતરમાં પાકની વાવણી કરતા પહેલા અચૂક મહાદેવના મંદિરે દર્શન કરવા જાય છે. પોતાના ખેતરોમાં શાકભાજી કઠોળ સહિત કોઈ પણ પ્રકારનો પાક તૈયાર થાય તો સૌથી પહેલા પ્રસાદ રૂપે ભગવાન ભોળાનાથ ના ચરણોમાં ધરાવવામાં આવે છે અને તે બાદ ખેડૂતો પોતાનો પાક બજારમાં વહેંચવા માટે જાય છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology