bs9tvlive@gmail.com

23-December-2024 , Monday

ઉનાળામાં આ વસ્તુઓ ખાવાનું ટાળો, થઈ શકે છે ડિહાઈડ્રેશન...

 

ગરમી શરૂ થાય એટલે સૌથી પહેલા ખાવા પીવા પર ખાસ ધ્યાન આપવું પડે છે. જો આ ઋતુ દરમિયાન ખાવા પીવાની બાબતમાં ધ્યાન રાખવામાં ન આવે તો તબિયત બગડતા વાર નથી લાગતી. સૌથી વધારે તો આ સીઝનમાં ડિહાઇડ્રેશનની સમસ્યા જોવા મળે છે. સાથે જ ફૂડ પોઈઝનિંગ પણ વધારે પ્રમાણમાં થાય છે. તેથી જ ઉનાળો શરૂ થાય કે તુરંત જ પોતાની ખાવા પીવાની બાબતો પર ધ્યાન આપવાની શરૂઆત કરી દેવી જોઈએ જેથી તમે ગરમીના વાતાવરણમાં પણ શરીરને સ્વસ્થ રાખી શકો. 

  • મસાલેદાર ભોજન

સ્વાદિષ્ટ ભોજન ખાવું સૌ કોઈને પસંદ છે પરંતુ ગરમીની શરૂઆત થાય એટલે વધારે પડતા મસાલા વાળું ભોજન કરવાનું ટાળવું જોઈએ. વધારે માત્રામાં ગરમ મસાલા જેમકે એલચી, મરી, આદુ, લસણ, રાઈ, મરચું ભોજનમાં લેવાથી શરીરની અંદર ગરમી વધી જાય છે જે ઉનાળામાં હાનિકારક સાબિત થઈ શકે છે.

  • નોનવેજ

ગરમીના દિવસોમાં નોનવેજ ખાવાનું પણ ટાળવું જોઈએ. આવી બધી વસ્તુઓને યોગ્ય રીતે સ્ટોર કરવામાં ન આવે તો ઉનાળામાં તે ઝડપથી ખરાબ થઈ જાય છે અને આવી ફૂડ આઈટમ્સ ખાવાથી ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે છે. ગરમીમાં નોનવેજનું પાચન પણ બરાબર રીતે થતું નથી અને તેનાથી ડીહાઇડ્રેશન થવાની શક્યતા પણ વધી જાય છે.

  • જંક ફૂડ

ગરમીની શરૂઆત થાય એટલે સમોસા, પકોડા, વડાપાવ જેવી તળેલી વસ્તુઓ અને પીઝા બર્ગર જેવા જંક ફૂડ પચાવવામાં શરીરને વધારે મહેનત કરવી પડે છે. સાથે જ આ વસ્તુઓ એવી હોય છે જે પાચન ક્રિયાને પણ પ્રભાવિત કરે છે અને શરીરમાં હોય તે પાણીને પણ વધારે શોષે છે. તેથી શક્ય હોય ત્યાં સુધી ગરમીમાં આવી બધી ફૂડ આઈટમ્સ નો ઉપયોગ ઓછો કરવો.

  • આલ્કોહોલ

દારૂ કોઈપણ ઋતુમાં પીવો હાનિકારક છે પરંતુ ઉનાળા દરમિયાન તો આલ્કોહોલનું સેવન શરીર માટે વધારે જોખમી સાબિત થાય છે. દારૂ પીધા પછી પેશાબ વારંવાર જવું પડે છે અને તેનાથી શરીરનું પાણી પણ ઓછું થવા લાગે છે. જો ઉનાળામાં તમે દારૂ પીવો છો તો હિટ સ્ટ્રોકનું કારણ પણ તે બની શકે છે.

  • ચા કે કોફી

મૂડ ફ્રેશ કરવા માટે ચા કે કોફી સૌથી વધુ પીવાય છે સવારની શરૂઆત પણ ચા અથવા તો કોફી સાથે થતી હોય છે પરંતુ ઉનાળા દરમિયાન કેફિનનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. જો વધારે પ્રમાણમાં કેફિન શરીરમાં જાય છે તો તે શરીરને વધારે ગરમ કરે છે અને ડીહાઈડ્રેશનનું કારણ બને છે.